જૂન 2024ના રોજ બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશગમન કરનાર ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગયાં છે. મૂળ તો આ મિશન આઠ જ દિવસનું હતું. 14 જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી હતું, પણ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મિશન શરૂ થયાને હવે 24 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ એમના પાછા ફરવાના કોઈ વાવડ નથી. સુનિતા સાથે એમના સહ-અંતરિક્ષયાત્રી બેરી વિલ્મોર પણ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’(ISS)માં અટવાયેલા છે. અનપેક્ષિત ટેકનિકલ ખરાબીને કારણે આ મિશન ખોરંભે ચડ્યું છે. બોઇંગ કંપની દ્વારા બનાવાયેલું ‘બોઇંગ સ્ટારલાઇનર’ રિયુઝેબલ (ફરી ફરી વાપરી શકાય એ) પ્રકારનું અવકાશયાન છે. એનો વપરાશ અંતરિક્ષયાત્રીઓને ISS સુધી લઈ જવા અને પરત લાવવા માટે થવાનો છે. એના પહેલા જ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ઉપડ્યા હતાં. પણ, ISS તરફ જતી વખતે જ સ્ટારલાઇનરની પ્રોપલ્શન સિસ્ટમમાં હિલિયમ લીક અને થ્રસ્ટર આઉટેજની સમસ્યાઓ સર્જાઈ હતી. ISS સુધી હેમખેમ પહોંચી તો જવાયું, પણ હવે સમસ્યાનું પાકું સમાધાન ન કરાય ત્યાં સુધી પાછા ફરવાનું સાહસ કરાય એમ નથી. અવકાશયાનના તળિયે એક નળાકાર જોડાણ છે, જેને સર્વિસ મોડ્યુલ કહેવાય છે. આ સર્વિસ મોડ્યુલ જ ઉડાન દરમિયાન અવકાશયાનને મોટાભાગની શક્તિ પ્રદાન કરે છે. સ્ટારલાઇનરમાં આ સર્વિસ મોડ્યુલમાં જ ખામી સર્જાઈ હતી. સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જ રહેવું પડશે. નાસાએ જણાવ્યું હતું કે બંને અંતરિક્ષયાત્રી સલામત છે અને અંતરિક્ષયાત્રીનો જે પ્રકારનો રુટિન હોય છે એ પ્રકારે જ સમય પસાર કરી રહ્યા છે. શુક્રવારે તેમણે સ્પેસ બોટની (અવકાશમાં ઉગાડાતા છોડ-વનસ્પતિ) સંબંધિત કાર્ય કર્યું હતું.