શું તમે ઝીકા વાયરસ વિશે જાણો છો ?

મહારાષ્ટ્રના પુણેમાં(Puna)ઝિકા વાયરસ(Zika virus)ફેલાઈ રહ્યો છે. શહેરમાં ચેપના 6 કેસ નોંધાયા છે. જેમાં ગર્ભવતી મહિલાઓ પણ આ રોગની ઝપેટમાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનો ચેપ જોવા મળ્યો છે.મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બીજી 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે. મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાયરસનો શિકાર બને છે તો ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.સાવચેતીના પગલા તરીકે, ચેપગ્રસ્ત મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફીવર પણ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ત્રણેય વાયરસ લગભગ સમાન છે. આ ત્રણનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાથી શરૂ થયો હતો. ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે. ઝિકા વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ઝિકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.